ગુજરાતી કઢી - મગની છૂટી દાળ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#દાળકઢી

કઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી.

ગુજરાતી કઢી - મગની છૂટી દાળ

#દાળકઢી

કઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. કઢી બનાવવા માટેની સામગ્રી
  2. ૫૦૦ મિલી છાશ
  3. ૩ ચમચા ચણાનો લોટ
  4. જરૂર મુજબ પાણી
  5. ૧ નંગ લીલું મરચું
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૨ ચમચી ઘી
  8. ૧/૨ ચમચી સૂકી મેથી
  9. ૧ ચમચી જીરું
  10. ૧/૪ ચમચી હીંગ
  11. ૨ ટુકડા તજ
  12. ૨ નંગ લવિંગ
  13. ૧ નંગ સૂકું લાલ મરચું
  14. ૧ નંગ તમાલપત્ર
  15. ૧૨-૧૫ નંગ મીઠા લીમડાનાં પાન
  16. ૧/૨ ચમચી આદુ મરચાંની પેસ્ટ
  17. ૫ ચમચી ખાંડ
  18. જરૂર મુજબ કોથમીર
  19. મગની છૂટી દાળ બનાવવા માટેની સામગ્રી
  20. ૧ વાટકી મગની મોગર દાળ
  21. ૩ ચમચી તેલ
  22. ૧ નંગ સૂકું લાલ મરચું
  23. ૧/૨ ચમચી જીરું
  24. ૧/૪ ચમચી હીંગ
  25. ૧/૨ ચમચી આદુ મરચાંની પેસ્ટ
  26. ૧/૨ ચમચી હળદર
  27. ૨ ચમચી લાલ મરચું
  28. સ્વાદાનુસાર મીઠું
  29. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કઢી બનાવવા માટે - સૌ પ્રથમ એક તપેલીમાં છાશ લઈ તેમાં ચણાનો લોટ ઉમેરી હેન્ડ બ્લેન્ડર વડે વલોવી લો. જો છાશ ઘટ્ટ લાગે તો જરૂર મુજબ પાણી ઉમેરવું. છાશ બહુ મોળી કે બહુ ખાટી ન લેવી. મધ્યમ ખાટી હશે તો સ્વાદિષ્ટ કઢી બનશે. જો દહીંમાંથી કઢી બનાવવી હોય તો એક કપ દહીં હોય તો તેમાં ચાર કપ પાણી અને અડધો કપ ચણાનો લોટ ઉમેરી હેન્ડ બ્લેન્ડર ફેરવી વલોવી લેવું.

  2. 2

    તેને ગેસ પર ધીમી આંચે ગરમ કરી તેમાં મીઠું ઉમેરો અને ચમચા વડે હલાવતા રહો જેથી ચણાનો લોટ નીચે ન બેસી જાય. તેમાં સમારેલું લીલું મરચું અને ૫-૭ મીઠા લીમડાનાં પાન ઉમેરો. કઢીમાં વઘારમાં તો લીમડો ઉમેરવો જ પણ કઢીમાં સીધો પણ ઉમેરવો જેથી તેની ફ્લેવર સરસ મળશે.

  3. 3

    એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં સૂકી મેથી, જીરું, હીંગ, તજ, લવિંગ, સૂકું લાલ મરચું, તમાલપત્ર ઉમેરી વઘાર તતડે પછી ગેસ બંધ કરી મીઠા લીમડાનાં પાન ઉમેરી મિક્સ કરી તૈયાર વઘારને કઢીમાં રેડો. ઘણા લોકો કઢીમાં વઘારમાં રાઈ મૂકે છે પણ હું કાયમ જીરું જ ઉમેરુ છું. વઘારમાં ઘી ને બદલે ઘી-તેલ મિક્સ લઈ શકાય પણ એકલુ ઘી લેશો તો વધારે સ્વાદિષ્ટ બનશે.

  4. 4

    તેમાં આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી મિક્સ કરી કઢીને મધ્યમ આંચે ઉકાળો અને ચમચા વડે હલાવતા રહો. ચપટી હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે પણ મને આવી સફેદ કઢી વધારે પ્રિય છે. કઢી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદમુજબ ખાંડ ઉમેરો. આ કઢીમાં ખટાશ સાથે ગળપણ આગળ પડતું હોય તો મજા પડી જાય એવી બને છે.

  5. 5

    મધ્યમ ઘટ્ટ કઢી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. કઢી બનવતા હોઈએ ત્યારે ગેસ પાસે જ ઉભા રહેવું નહીંતર ઉભરાઈ જશે.

  6. 6

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ તથા સોડમયુક્ત ગુજરાતી કઢી જેને મગની છૂટી દાળ અને ભાત સાથે સર્વ કરો.

  7. 7

    મગની છૂટી દાળ બનાવવા માટે - સૌ પ્રથમ મગની મોગર દાળને ગરમ પાણીમાં ૩૦ મિનિટ માટે પલાળી રાખો. દાળને આ રીતે પલાળીને બનાવશો તો ઝડપથી ચડી જશે. ત્યારબાદ તેને પાણીથી ધોઈને પાણી નિતારી લેવું.

  8. 8

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, હીંગ, જીરું, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. જો લસણ ઉમેરવું હોય તો લસણની પેસ્ટ અથવા કળી ઉમેરી શકાય છે.

  9. 9

    ત્યારબાદ તેમાં ચપટી હળદર અને એક ચમચી લાલ મરચું ઉમેરો આવી રીતે તેલમાં મસાલા સાંતળવાથી કલર સરસ આવશે.

  10. 10

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ એટલે કે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેમાં પલાળેલી મગની દાળ ઉમેરો. તેમાં હળદર, લાલ મરચું, મીઠું ઉમેરી પાંચ મિનિટ તેજ આંચ પર પકાવો. કઢાઈમાં ચમચો મૂકી રાખવો જેથી દાળ ઉભરાય નહીં. ઢાંકણ ઢાંકીને ૧૫ મિનિટ માટે ધીમી આંચે પકાવો.

  11. 11

    ઢાંકણ ખોલીને દાળનો દાણો દબાવી ચેક કરો ચડી ગઈ હોય તો ગેસ બંધ કરો. જો ઢીલી લચકો દાળ બનાવવી હોય તો વધુ પાણી ઉમેરી આજ રીતે બનાવી શકાય છે. તો તૈયાર છે મગની છૂટી દાળ.

  12. 12

    મને તો ગુજરાતી કઢી, મગની છૂટી દાળ અને ભાત મળે એટલે બીજું કાંઈ જ ન જોઈએ. આ મારું પ્રિય ભાવતું ભોજન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes